uundii rajnii - Geet | RekhtaGujarati

(રાગ : મ્હાડ)

શી ઊંડી રજની આજની

ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે

માંહિ સૂતો ઊંડો અન્ધકાર,

ઊંડાં ડૂબ્યા નભતારલા કંઈ

ગૂઢ સંદેશ વ્હેનાર રે;

શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે

ઊંડું, અદ્ભુત, સહુઠાર,

પૂરને ઝીણું ઝીણું હલાવી

છાનો અનિલ રમે સુકુમાર રે;

શી ઊંડી રજની!

ડૂબી ઊંડી પૂરમાં રે

તરુવરકેરી હાર,

મોહમન્ત્રથી મૂઢ બની

કાંઈ કરે ઉચ્ચાર રે

શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મન્ત્રથી રે

સ્તબ્ધ ઊભો હું વાર;

ગૂઢ અસંખ્ય ભેદો કંઈ

કરે ચોગમ ઘોર ઝંકાર રે

શી ઊંડી રજની!

જાગી ઊઠી ઝંકારથી રે;

અનુભવું દિવ્ય ઓથાર;

ભરાયું ભેદ અસંખ્યથી રે

મ્હારું હૃદય ફાટે શતધાર રે

શી ઊંડી રજની!

ગૂંથાયું શત ધારથી રે

એહ સ્તબ્ધ હૃદય ઠાર;

શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ,

સુણે ઉચ્ચ ગાનના પુકાર રે

શી ઊંડી રજની!

સ્રોત

  • પુસ્તક : હૃદયવીણા (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સર્જક : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
  • પ્રકાશક : જમનાદાસ લક્ષ્મીદાસ
  • વર્ષ : 1934
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ