uugato suuraj tane aapun chhun - Geet | RekhtaGujarati

ઊગતો સૂરજ તને આપું છું

uugato suuraj tane aapun chhun

જયન્ત પાઠક જયન્ત પાઠક
ઊગતો સૂરજ તને આપું છું
જયન્ત પાઠક

ઊગતો સૂરજ તને આપું છું, લે - તું એને સાંજ સુધી સાચવે તો સારું

ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાના બાગમાં

ઊગ્યાં-ના-ઊગ્યાં ને ઓરાયાં આગમાં

પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું

જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભુલામણી

અધવચ્ચે અણધારી આફત ને તાવણી

રેશમની દોર એક આપું છું, લે - તૂટે, છેક લગી સાચવે તો સારું

અધવચ્ચે બાંધીને ખેંચી જાય પેલું અણધાર્યું મોત જો અકારું!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૮૭ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ