uudi jao pankhi! - Geet | RekhtaGujarati

ઊડી જાઓ, પંખી!

uudi jao pankhi!

દુલા ભાયા કાગ દુલા ભાયા કાગ
ઊડી જાઓ, પંખી!
દુલા ભાયા કાગ

પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;

તુમ જલો અમે ઊડીએ, જીવનકા ફલ નાંય.

ઊડી જાઓ પંખી! પાંખુવાળા... જી,

વડલો કહે છે, વનરાયું સળગી,

મૂકી દિયો જૂના માળા-ઊડી જાઓ. ટેક૦

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં દશ ઢાળાં જી;

ઘડીએ ચડી ચોટ અમોને,

ઝડપી લેશે જ્વાળા. ઊડી૦

બોલ તમારા હૈડામાં બેઠા, રૂડા ને રસવાળા જી;

કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં

ઊડી૦

પ્રેમી પંખીડાં પાછાં નઈ મળીએ, વનમાં વિગતાળાં જી;

પડદા આડા મોતના પડિયા, તે પર જડિયાં તાળાં.

ઊડી૦

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી;

મરવા વખતે સાથ છોડી દે, મોઢાં મશવાળાં.

ઊડી૦

ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;

'કાગ' કે' આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા.

ઊડી૦

સ્રોત

  • પુસ્તક : આવકારો મીઠો આપજે (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : અરવિંદ બારોટ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2020