to awyan kane - Geet | RekhtaGujarati

તો આવ્યાં કને

to awyan kane

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
તો આવ્યાં કને
ચંદ્રકાન્ત શેઠ

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,

એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યારે રે આંબો ટહુક્યો

એની વનમાં મ્હેકી વાત,

કમળ જેવો ખીલતો દિવસ,

પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,

એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં

જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,

મનમાં હળુક લ્હેરવા લાગે

વ્યોમની કિરણ–ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,

એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004