tarli - Geet | RekhtaGujarati

તારલી

tarli

બાદરાયણ બાદરાયણ

આકાશ સાગર સંગમભોમમાં

સન્ધ્યાની જ્યોત રમી વિરમે;

અધાંરનાં પડ વિશ્વને આવરે,

આકાશે તારલી એક ઝગે,

વ્યોમ વિરાટમાં એ ન ડૂબે.

એવી વસી મારે અન્તર તારલી,

એનાં ય તેજ અનસ્ત રહ્યાં,

વિશ્વને ઘેરતાં, ઘૂમરી ઘૂમતાં

એને ન વાદળ કોઈ નડ્યાં;

તેજ એનાં ન જરી પલટ્યાં.

સુરજ ચંદ્રનાં તેજ તણી મારે

હૈયે જરી નહિ આશ ધરું;

તારલી ન્હાનીશી તેજ ઝીણું ઝરે,

અન્તર એહ ઉજાસ ભરું.

અંધાર સાથે એ તેજે લડું,

જીવનમાર્ગ ન ભૂલો પડું

સ્રોત

  • પુસ્તક : કેડી (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : બાદરાયણ
  • પ્રકાશક : ધ જનરલ બુક ડીપો
  • વર્ષ : 1941