bhiintyun bhaagyashaalii - Geet | RekhtaGujarati

ભીંત્યું ભાગ્યશાળી

bhiintyun bhaagyashaalii

કવિ દાદ કવિ દાદ
ભીંત્યું ભાગ્યશાળી
કવિ દાદ

ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી,

ગાર્યું કરે ગોરા હાથવાળી;

ગોપી ચીતરી કાનુડો ચીતર્યો,

ચીતર્યાં ગોપ ને ગોવાળી-ભીત્યું...

ખરબચડા જેવી તું ઊભી' તી ખોરડે,

અટૂલી ને ઓશિયાળી;

ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,

સુખણી થઈ ગઈ સુંવાળી-ભીત્યું...

ઘૂંઘટામાંથી બા'રે મોઢાં કાઢતી,

પેનિયું કોઈએ નિહાળી;

પદમણી તારી દેયું પંપાળે

હેમ સરીખા હાથવાળી-ભીત્યું...

ધોળી રે ધૂળના છાંટા ઊડ્યા, જાણે

તારલે રાત અજવાળી;

ચાંદની જેમ તને ચારે દૃશ્યુંએ,

ઓળીપો કરીને ઉજાળી-ભીંત્યું...

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઈ,

લજવાણી લાજાળી :

ભાવ ભરેલી દેહમાં ભાળી તેં,

રેખાઉં હરિયાળી-ભીંત્યું...

'દાદ' કરમની દીવાલ ઊઘડી,

કોણે નમાવી ડાળી;

જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં

વાતું વીગતાળી-ભીંત્યું...

સ્રોત

  • પુસ્તક : ટેરવાં (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : દાદુભાઈ પ્ર. ગઢવી
  • પ્રકાશક : લોકસાહિત્ય પરિવાર પ્રકાશન
  • વર્ષ : 1972