tej to gayun ne - Geet | RekhtaGujarati

તેજ તો ગયું ને...

tej to gayun ne

સુધાંશુ સુધાંશુ
તેજ તો ગયું ને...
સુધાંશુ

અમે રે સાબરજળને સોંપિયો,

વાણીહરિવરનો હો દીવો રે;

અમે રયાં ઊણાં ને સિંધુ સંભર્યા,

મ્હેરામણમંદિર ગ્યો મરજીવો રે;

તેજ તો ગયું ને તખત રહી ગયું.

સાગર! તમે શું સિદ્ધિસૂન થ્યા?

તમારલે અટક્યા શા અસબાબો રે?

રતન હતાં તે તમે આંતર્યાં,

વસુધાને વખ્યા ને વિલાપો રે;

તેજ તો ગયું ને તખત રહી ગયું.

દોટવી દોટવીને દિલડાં રાખિયાં,

કોને કહીએ કરમની કઠણાઈઓ રે;

જંપેલા જખમો રે જીવડે જલી રિયા

છઠ્ઠીલેખે ખણી દુખડાંખાઈઓ રે;

તેજ તો ગયું ને તખત રહી ગયું.

અમે રે ધરતી-ભંગાર માનવી,

અમારલે આપ્યાંનાં ઉર પહોળાં રે;

અમારો પીરાણો તમને આપિયો,

બિછવે ચેતન-મોતિયું બહોળાં રે

તેજ તો ગયું ને તખત રહી ગયું.

અમે રે આપ્યા તમે પાળજો,

લખશે પોલાણપીરની વાતો રે;

સૂરજ ચાંદાના આકાશી ઓરતા,

કરશે પોતાના મુદમાતો રે;

તેજ તો ગયું ને તખત રહી ગયું.

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960