mane to sukh eman dekhay - Geet | RekhtaGujarati

.....મને તો સુખ એમાં દેખાય

mane to sukh eman dekhay

શ્યામલ મુનશી શ્યામલ મુનશી
.....મને તો સુખ એમાં દેખાય
શ્યામલ મુનશી

એક રમકડું લઈ મનગમતું,

માના ખોળે હસતું-રમતું,

મીઠાં હાલરડાં સાંભળતું,

માની સામે જોતું જોતું બાળક ઊંઘી જાય, મને તો સુખ એમાં દેખાય.

ભાર ભરેલાં દફતર ખાખી,

એક દિવસ ખૂણામાં નાખી,

નિશાળમાં પણ છુટ્ટી રાખી,

ભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભરવર્ષામાં ન્હાય, મને તો સુખ એમાં દેખાય.

ઇચ્છાઓ લઈ ને ઊભેલી,

એક છોકરી પ્રેમે ઘેલી,

નિશ્ચિત સ્થાને પહોંચી વહેલી,

પ્રેમીને જોતાંની સાથે આછેરું મલકાય, મને તો સુખ એમાં દેખાય.

એક દિવસ મા વહેલી જાગે,

ઘર ખાલીખમ સૂનું લાગે,

ઘરનો બેલ અચાનક વાગે,

ને બચ્ચાંને લઈ દિકરી મળવા આવી જાય, મને તો સુખ એમાં દેખાય.

છો કેડેથી હોય વળેલા,

એક સાંજની ડૂબતી વેળા,

દાદા સૌ મિત્રોની ભેળા,

જૂની ફિલ્મો યાદ કરીને જૂનાં ગીતો ગાય, મને તો સુખ એમાં દેખાય.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.