kyan chhe? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાં છે?

kyan chhe?

મનહર જાની મનહર જાની
ક્યાં છે?
મનહર જાની

છવ્વીસ છવ્વીસ વરસોથી શોધું છું હું તે ક્યાં છે મારું ઘર?

ક્યાં છે દૂધની સરડક સરડક શેડ થકી રવરવતું

બાએ ગોઠણ વચ્ચે ગોપેલું બોધરણું?

પીપળવંતું ફળિયું ક્યાં છે?

ક્યાં છે માના કંઠથકી નીતરતું'તું તે ગળચટ્ટુ મોંસૂઝણું?

તુલસીક્યારે પધરાવ્યાં'તા દેવદેવલાં બાપુએ તે સરી ગયાં ક્યાં સરસર?

શૈશવની આંગળીઓમાં સળવળતો'તો તે

કલરવ ભીંજ્યો બપોરનો મખમલિયો ક્યાં છે કંપ?

દાદાની આંકડિયાળી સોટીના ઘોડા પર બેસી મેં

પીધો’તો તે રતુંબડી સાંજુનો ક્યાં છે ગોરજરંગી જંપ?

દાદીમાની સોડમહીં સંતાઈને જોયું'તું તે સઘળું ક્યાં છે સચરાચર?

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001