sitajini kanchali - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સીતાજીની કાંચળી

sitajini kanchali

કૃષ્ણાબાઈ કૃષ્ણાબાઈ
સીતાજીની કાંચળી
કૃષ્ણાબાઈ

શ્રી રામજી કેરે ચરણે નમીને, સીતા કાંચળી પ્રીતે રે;

શ્રી રામ લક્ષ્મણનું વંદન કરીને, ગાવું છું નૌતમ; હો રમતાં રઢ લાગી રાણીને.

દશરથસુતે આજ્ઞા પાળી, ઘર તજી ચાલ્યા વંન રે;

લક્ષ્મણ બંધવ જોડે લીધો, સ્નેહ ગાવું ધંન ધંન. હો રમતાંo

પંચવટીમાં નિવાસ કરીને, આનંદ બહુ ઉપજાવે રે;

દિન પ્રત્યે ચોપટ બહુ ખેલે, જાનકીને મન ભાવે. હો રમતાંo

પર્ણકુટીમાં સરોવર પાસે, જ્યાં ખેલે સીતારામ રે;

કનકતણો કૂરંગ દીઠો એક, આવ્યો તેણે ઠામ. હો રમતાંo

સોનાનાં શીંગ ને ત્વચા કનકની, નાભિયે કસ્તુરી બેહેકે રે;

ડમરો ચરતાં દીઠો જાનકિયે, નાચે નૌતમ લેહેકે . હો રમતાંo

સીતા— તે દેખી સીતાને રઢ લાગી, રામ મૃગ મારી લાવો રે;

આપણે જ્યારે અજોધ્યા જઈશું, કાંચલડી શીવડાવો. હો રમતાંo

રામ— સરોવર તીરે મૃગલો ઉભો, દીસંતો ઘણો રુડો રે;

ઘેલી સીતા ઘેલું શું બોલો, મૃગ છે હૈયાનો કૂડો. હો રમતાંo

બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે, સોનાનો નથી નિપજાવ્યો રે;

નથી દીઠો નથી શ્રવણે સાંભળ્યો, કોઈક કારમો આવ્યો. હો રમતાંo

સીતા— પ્રત્યક્ષ પારખું મારા પીયુજી, સાચો હશે તો સહાશે રે;

કૂડ કપટથી આવ્યો હશે તો, હમણાં ફીટી જાશે. હો રમતાંo

રામ— સાચો હોય તેને ક્યમ હણિયે, ક્યાં ગયું તમારું જ્ઞાન રે;

પોતાના સ્વારથને માટે, લ્યો છો પશૂના પ્રાણ. હો રમતાંo ૧૦

સીતા— સીતા કહે સાંભળો રઘુનંદન, વિદ્યા તમારી કાચી રે;

ઉજાતો મારિ લાવો મૃગને, તો જાણું વિદ્યા સાચી. હો રમતાંo ૧૧

રામ— બીજાં વિદ્યાનાં કામ ઘણાં છે, શાખા પત્ર ફળ ફૂલ રે;

પોતાનો સ્વારથ સરતો હોય તો, પાપ કરિયે મૂળ. હો રમતાંo ૧૨

સીતા— સીતા કહે એક મૃગને હણતાં, શાનું બેસે કર્મ રે;

મહારાજાને મૃગયા રમવી, ખરો ક્ષત્રીનો ધર્મ. હો રમતાંo ૧૩

રામ— મૃગયા માટે અમે નથી આવ્યા, અમને શાની આશરે;

જ્યાં જેવે આશ્રમે રહેવું, ત્યાં તેવો અભ્યાસ. હો રમતાંo ૧૪

સીતા— સાધુપણાં જ્યારે એવાં આદર્યાં, ધનુષબાણ શાને ઝાલો રે;

સાધુ થઈને રહો એકાંતે, ધર્મ પોતાનો પાળો. હો રમતાંo ૧૫

રામ— રામ કહે રાજપુત્રને, લખિયાં છે એંઘાણ રે;

કદાપિ કોઈ બળિયો દુઃખ દે તો, તેના લેવા પ્રાણ. હો રમતાંo ૧૬

સીતા— શૂર્પનખા—ભગિની રાવણની, તેનો શો વાંક રે;

વણ અપરાધે તે અબળાનાં, છેદ્યાં કર્ણ ને નાક. હો રમતાંo ૧૭

રામ— શૂર્પનખા કહે મુજને પરણો, તે મારે મન નવ ભાવે રે;

એકથકી અમે વાજ આવ્યા તો, બીજીને કોણ લાવે. હો રમતાંo ૧૮

સીતા— સંસારમાં જ્યારે રહેવું કંથજી, કાયર થયે કેમ ચાલે રે;

સંસારનો લાવો મારા કંથજી, નારિ માગે તે આલે. હો રમતાંo ૧૯

રામ— ઘેર બેઠાં માગો તે આલું, કાયર થાઊં કયમ રે;

વનમાં આવીને લેવાં રુષણાં, નહીં સતીનો ધર્મ. હો રમતાંo ૨૦

સીતા— એવો કમખો મેં નથી પેર્યો, કોટિ ઉપાયે કંથ રે;

જાત ભલી ને ભાત અનોપમ, ઉજ્જ્વલ અંગ અનંત. હો રમતાંo ૨૧

રામ— એથી રુડો કમખો શીવડાવું, સોનાના તાર નંખાવું રે;

વારુ ફુલ ઉપર વેલ ફરતી, વચે મોતી ટંકાવું. હો રમતાંo ૨૨

સીતા— નિપજાવી જે વસ્તુ નીપજે, તેમાં તે શી વડાઈ રે;

અણનિપજી ને અમુલ્યક જેની, જગમાં દિસે જુગતાઈ. હો રમતાંo ૨૩

રામ— એવા સ્વાદ હતા જ્યારે તમને, શિદ આવ્યાં છો સાથે રે

ઘેર બેઠાં નવ રહીરે ઘેલી, ઓઢત પહેરત ખાંતે. હો રમતાંo ૨૪

સીતા— પતિવ્રત મારું વ્રત પાળવું, પ્રિય વિના કેમ રહેવાય રે;

એક ઘડી નવ દેખું તો, બ્રહ્માંડ વહીને જાય. હો રમતાંo ૨૫

રામ— પતિવ્રતા જે હોય પ્રેમદા, પિયુનું માને વચંન રે;

મૂખે માગે હૈયામાં દાઝે, ધીરજ રાખે મંન. હો રમતાંo ૨૬

સીતા— દેખ્યા પાખે શાનું દાઝે, નજર પડે મોહ લાગ્યો રે;

થોડું કામ આળસ કરવું, હજી નથિ ગયો આઘો. હો રમતાંo ૨૭

રામ— અણસરજ્યું દુઃખ કોણ ભોગવે, થોડા સુખને વાસ્તે રે;

વ્યાજ વધારતાં જાય સમૂળમાં, ત્યારે રહિયે હાથ ઘસતે. હો રમતાંo ૨૮

સીતા— વસ્તુ રાખીને દામ આપિયે, ત્યારે જાયે ક્યમ રે;

રળિયે તો મળિયે મોહનજી, નિષ્ફળ હોય ઉદ્યમ. હો રમતાંo ૨૯

રામ— ઓછું હોય તે ઉદ્યમ માંડે, આપણે સરવે સૂખ રે;

જળ કાંઠે રહીને જે કૂવો, ખોદે તે મૂરખ. હો રમતાંo ૩૦

સીતા— સરિતાનાં જળ હોય ભારે ને, કૂપનાં ઉત્તમ કારી રે;

મહા જોગીયે મૃગત્વચા ગ્રહી, જો દીઠી કાંઈ સારી. હો રમતાંo ૩૧

રામ— તેને તે વસ્તુ વારુ વિનતા, જેને જે આવે ભોગ્ય રે;

ગૃહસ્થને રાજરિદ્ધિ રુડી ને, જોગીને રુડો જોગ. હો રમતાંo ૩૨

સીતા— ભલી ભુંડી અમારે ભાગ્યે તે, જેવી શરીરે સોહિયે રે;

એવી કંચુકી આજ મળે, તે માટે મન મોહિયે. હો રમતાંo ૩૩

રામ— એવડો મોહ ધરિયે માનિની, મનમાં સંતોષ સાહિયે;

જ્યારે જેવું મળે તે અનુભવિયે, ઝાઝાને નવ ધાઈયે. હો રમતાંo ૩૪

સીતા— સીતા કહે સા માટે કરિયે, સ્વાદ નવો નવો લેવો રે;

જોબનનો લાવો જુગજીવન, દિવસ ચારનો મેવો. હો રમતાંo ૩૫

રામ— અવસર કાંઈ ઓળખતી નથી. જેવો વેષ તેવું રમવું રે;

આપણે રાજ્યની રિદ્ધિ તજીને, આજે વનમાં ભમવું. હો રમતાંo ૩૬

સીતા— દુઃખના દિવસ કાલે વહી જશે, વહાણે પામશો રાજ્ય રે;

સવેળાનું સંઘરયું હોય તો, અવસરે આવે કાજ. હો રમતાંo ૩૭

રામ— રાજ્ય બેસીશું ત્યારે મળશે, જેવી જોઈએ તેવી જાત રે;

ચૌદ વરસ વનમાં ભમવું તો, રાત આડીની શી વાત. હો રમતાંo ૩૮

સીતા— સીતા કહે શા માટે માગું, તમ સરખો પિયુ જ્યારે રે;

લક્ષ્મણ સરખા દિયરજી મારે, લાડ કરું પછી ક્યારે. હો રમતાંo ૩૯

રામ— રામ કહે તને શી લલુતા, અબળાનો અવતાર રે;

વનમાં રહીને જે લોભ કરવો, હોય ધર્મ લગાર. હો રમતાંo ૪૦

સીતા— સીતા કહે સાંભળો મારા પિયુજી, ઝાઝું કહે શું થાય રે;

જે સ્ત્રીને નહિ માન પિયુનું, તે વાયે લીધી જાય. હો રમતાંo ૪૧

રામ— રામ કહે તું વહાલી હોય તો, શિવનું ધનુષ સાને ભાંજું રે;

ફરશુરામ સાથે જુધ કરીને, અયોધ્યામાં ગાજું. હો રમતાંo ૪૨

સીતા— મનસા વાચાએ વહાલી હઊં તો, કહ્યું કરો મુજ કંથ રે;

ઘડી અધઘડી જો વિલંબ કરશો તો, પ્રાણનો આણિશ અંત. હો રમતાંo ૪૩

રામ— રામ કહે હૈયે નવ હારો, આટલો દી રમી જઈશ રે;

તમન જ્યારે તેડી લાવ્યો, જે કહેશો તે સહીશ. હો રમતાંo ૪૪

સીતા— સોગટડે હવે કાલે રમાશે, હું નહિ ઢાળું પાસા રે;

ઘાડ અધઘાડનો વિલંબ કરશો તો, કાંઈકે જોશો તમાસા. હો રમતાંo ૪૫

રામ— પાસા પછાડીને ધરણીધર ઉઠ્યા, ભાઈને ભળાવી નારી રે;

લક્ષ્મણ બાપ તું મઢિયે રહેજે, મૃગને લાવું મારી. હો રમતાંo ૪૬

પંડિતા— ઘનુષ લેઈ ધાયા ધરણીઘર, કુરંગ ઉપર ડાઢ પીસે રે;

જેમ જેમ ઢુંકો જાય જગજીવન, તેમ તેમ વેગળો દીસે. હો રમતાંo ૪૭

ચાપ ચડાવી મૃગલો માર્યો, મેલ્યું કસીને બાણ રે;

મરતાં મૃગલે ચીસ નાંખી જે, લક્ષ્મણ જાએ પ્રાણ. હો રમતાંo ૪૮

શબ્દ સીતા સાંભળ્યો લક્ષ્મણ, રામ તેડે છે તમારો રે;

હરણને હણતાં કષ્ટ પડ્યું છે, શીઘ્ર થઈને સધારો. હો રમતાંo ૪૯

લક્ષ્મણ— લક્ષ્મણ કહે એક હરણને હણતાં, કષ્ટ પડે તે શાંનું રે;

રઘુ સરખા ચીસ નાંખે તે, વાત તો હું નવ માનું. હો રમતાંo ૫૦

સીતા— દક્ષિણ દિશે દિયરિયા મારા, ઝાઝું રાક્ષસ દળ છે રે;

એકલડાં જાણીને જાઓ, બેએ બાવીશનું બળ છે. હો રમતાંo ૫૧

લક્ષ્મણ— એક બાણે ચૌદ સહસ્રને, મારે એવો મૂજ ભ્રાત રે;

ચૌદ સહસ્ર ચડીને આવે તો, નવ હારે રઘુનાથ. હો રમતાંo ૫૨

સીતા— વેળા વેળાનાં ફળ છે દીયરિયા, એવડો ગરવ નવ ધરિયે રે;

ક્યારે હારિયે ને ક્યારે જિતિયે, તે માટે સંચરિયે. હો રમતાંo ૫૩

લક્ષ્મણ— લક્ષ્મણ કહે ભાભિ લખ્યું હશે તો, બ્રહ્માએ પાછું થાય રે;

તમને વનમાં એકલાં મેલીને, ડગલું નહી ભરાય. હો રમતાંo ૫૪

સીતા— સીતા કહે તને શાનું દાઝે, જુજવી માતા માટે રે;

સગો ભ્રાત શત્રુઘ્ન હોય તો, હમણાં દોડે ઉચાટે. હો રમતાંo ૫૫

લક્ષ્મણ— મુજને રામજી વહાલા હોય તો, શીદ આવું હું સાથ રે;

ભોળે ભાવે ભક્તિ કરું છું, જાણીને જ્યેષ્ઠ ભ્રાત. હો રમતાંo ૫૬

સીતા— ભક્તિ કરો ને મુજને ભાવે, મીઠું બોલ્યે નહિ મીઠું રે;

તુજ દુષ્ટનો વિશ્વાસ કરિયે, આજ પારખું દીઠું. હો રમતાંo ૫૭

લક્ષ્મણ— ભલી સીતાજી બુદ્ધિ તમારી, મુજને એવો પ્રમાણ્યો રે;

રાત દિવસ મેં સેવા દીધી, એકે ગુણ નવ જાણ્યો. હો રમતાંo ૫૮

સીતા— સીતા કહે તારા ગુણનું લક્ષણ, પડી વેળા પરમાણ્યું રે;

સાદ સાંભળીને સાંસો કીધો, ત્યારે હેય જણાણું. હો રમતાંo ૫૯

દિયરિયા તુને શાનું દાઝે, વહાલા નહીં શ્રીરામ રે;

બંધવ હોય તો રણમાં દોડે, કરવાને સંગ્રામ. હો રમતાંo ૬૦

લક્ષ્મણ— તમને અહિંયાં કો સારું મેલું, સાંસો કરું છું તેણે રે;

તમને જો લાંછન લાગે તો, વળતા મરિયે મેહેણે. હો રમતાંo ૬૧

સીતા— તેવાં ભોળાં અમે નહિ દિયરિયા, મન વસિયા મહારાજ રે;

અવર પુરુષ સાથે બોલું તો, લાગે કુળને લાજ. હો રમતાંo ૬૨

લક્ષ્મણ— કેટલું બળ તમ અબળાકેરું, તનક તાલ ને હેલા રે;

રાંધ્યું ધાન ને પ્રેમદા સરખી, વણસતાં નહીં વેળા. હો રમતાંo ૬૩

સીતા— સીતા કહે તું શું સમજાવે, સાસુતણા સુત કાલા રે;

એકલો ઉજડમાં શાને જાએ, પ્રાણ તને તારા વહાલા. હો રમતાંo ૬૪

લક્ષ્મણ— મુજને પ્રાણ જો વહાલા હોય તો, શીદ જાઉં હું વંન રે;

વન ફળ મેવા વિંણી લાવું છું, બેઠાં કરો છો ભોજન. હો રમતાંo ૬૫

સીતા— સીતા કહે તું શું દિયરિયા, મુજને રાખે વારી રે;

તું જાણે છે રામ પડે તો, હું ભોગવું નારી. હો રમતાંo ૬૬

લક્ષ્મણ— ભલી સીતાજી બુદ્ધિ તમારી, મુજને એવું કહિયે રે;

એકે દહાડે હસ્યો હઉં તો, સર્વે સાચું લહિયે. હો રમતાંo ૬૭

સીતા— કપટી હોય તે કોઈશું હસે નહિ, રાખે મનમાં જાણી રે;

જળ કાંઠે બગ ધ્યાન ધરે તે, મચ્છને લેવા તાણી. હો રમતાંo ૬૮

પંડિતા— વચન બાણ વાગ્યાં લક્ષ્મણને, તાપ ઉપન્યો તનમાં રે;

બહુએ પેર પડી લક્ષ્મણને, ઝુરણ લાગી મનમાં. હો રમતાંo ૬૯

શિલુમુખ રેખા કીધી લક્ષ્મણે, દીધી રામની આણ રે;

કુડે કપટે જે કો આવે, તેના જાજો પ્રાણ. હો રમતાંo ૭૦

એમ કહી લક્ષ્મણજી ગાય, તારુણીને લાગ્યો તાપ રે;

કઠણ વચન કહ્યાં દીયરને, તેનું લાગ્યું પાપ. હો રમતાંo ૭૧

લાગ જોઈ લંકાપતિ આવ્યો, પાપિયે ચલાવ્યાં ચરણ રે;

પરદારાને હરવા કારણ, માથે લાવ્યો મરણ. હો રમતાંo ૭૨

ભગવાં વસ્ત્ર ને ભેખ સંન્યાસી, કરમાં કમંડળ ધારયું રે;

ક્ષુધાર્થીને ભિક્ષા આપો, આવી એમ ઉચારિયું. હો રમતાંo ૭૩

આવો પ્રભુજી બેસો ઋષિજી, અમૃત બોલ્યાં વાણી રે;

ઉઠીને આસન ત્યાં આપ્યું, ગૃહસ્થાશ્રમધર્મ જાણી. હો રમતાંo ૭૪

રાવણ— કોણ પિતા કોને ઘેર પરણ્યાં, કોણ તમારો કંથ રે;

ઉજડમાં એકલડાં મેલીને, ક્યાંહાં ગયા બળવંત હો રમતાંo ૭૫

સીતા— જનક પિતા ને દશરથ સસરો, કૌશલ્યાજી સાસુજી;

તાતતણાં વચન પાળવાને, અમે ત્રણે થઈ વન વાસ્યું. હો રમતાંo ૭૬

સોનાના શિંગનો મૃગ આવ્યો, તો કંચુકિની થઈ અભિલાખા રે;

મૃગલો મારવાં પિયુજી ગયા છે, કરીને શિલિમુખ રેખા. હો રમતાંo ૭૭

પંડિતા— શિલિમુખ રેખા ઉપર મેલી પાવડી, પાપી બોલે મર્મ રે;

પર પગ મેલી દો ભિક્ષા, રહેશે તમારો ધર્મ. હો રમતાં. રમતાંo ૭૮

પાપીનો પ્રપંચ પ્રીછ્યો, ભામિની થઈ હઈયે ભોળી રે;

પોતાની વાત જે પરને કહેશે, તે રહેશે આંખો ચોળી. હો રમતાંo ૭૯

સીતાએ સીતાફળ આપ્યાં, પગ પાવડિયે ધરિયો રે;

ઉપાડી લીધી અબળાને, હરણ કરીને સંચરિયો. હો રમતાંo ૮૦

ત્યારે તારુણિને ત્રાસ પડિયો, ધાજો લક્ષ્મણ રામ રે;

પાપી કોઈ હરી જાય છે, કરીને દુષ્ટનું કામ. રમતાંo ૮૧

તે શબ્દ સાંભળી પંખી આવ્યો, દશરથનો જે મિત્ર રે;

સીતાને મૂકવા કારણ, માંડ્યું જુદ્ધ વિચિત્ર. હો રમતાંo ૮૨

રાવણે એક કપટ કીધું, પર્વત પાછળ રહીને રે;

રુધિરાળા પાષાણ ગળાવ્યા, ભારે પડિયો થઈને. હો રમતાંo ૮૩

ત્યાંથી રાવણ લેઈને ગયો, લંકાના ગઢ માંય રે;

મૃગ મારીને રામજી વળિયા, જે જે રાઘવરાય. હો રમતાંo ૮૪

નથિરે સીતા નથિરે સીતા, નથિરે મઢુલી માંય રે;

કાગારોળ ત્યાં થઈ રહ્યો છે, ચકડોળ વાતે ત્યાંય. હો રમતાંo ૮૫

પગલે પગલે શોધતા તેને, ગયા તે બેહુએ ભાઈ રે;

ઋષ્યમૂક પર્વતમાંહિ પહોંચ્યા, જ્યાં છે વાંદરાનો રાય. હો રમતાંo ૮૬

સુગ્રીવ સાથે કરી મૈત્રી, વાળીને નાંખ્યો મારી રે;

વાળીનું રાજ્ય સુગ્રીવને આપ્યું, ઉપર આલી નારી. હો રમતાંo ૮૭

નર વાનર એકઠા કરીને, સાગર બાંધી પાજ્ય રે;

રાવણને મારી કરીને, વિભિષણને આપ્યું રાજ્ય. હો રમતાંo ૮૮

જુદ્ધ કરી સીતાને લાવ્યા, ઢોલ નિશાન વજડાવી રે;

સીતાજીનાં લાડ પાળ્યાં ને, કાંચલડી શીવડાવી. હો રમતાંo ૮૯

સ્વામી આજ્ઞા ઓળંગીને, મમત ધર્યો બહુ મનમાં રે;

સતી સીતાને દુઃખ ઉપનું, તાપ વ્યાપિયો તનમાં. હો રમતાંo ૯૦

પહેલે સીતાવિવાહ ગાયો, રુકમિણીહરણ રુંડું રે;

સીતા કંચુકી શોભે વરણાવ્યો, કૃષ્ણ વિના સૌ કૂડું. હો રમતાંo ૯૧

સતી ગુણ કૃષ્ણાબાઈ ગાયે, વડનગરમાં વાસ રે;

રામલક્ષ્મણ જાનકીનો જય, સાથે હનુમંત દાસ. હો રમતાંo ૯૨

જે જન હરિગુણ ગાય સાંભળે, તેહતણાં દુઃખ વામે રે;

ધર્મ અર્થ ને કામ મુક્તિ ફળ, ચાર પદારથ પામે. હો રમતાંo ૯૩

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન (દસ ગ્રંથમાં- ગ્રંથ ૧લો) (પૃષ્ઠ ક્રમાંક 844)
  • સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : (સાતમી આવૃત્તિ)