shiyaalu saanj - Geet | RekhtaGujarati

શિયાળુ સાંજ

shiyaalu saanj

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
શિયાળુ સાંજ
રાજેન્દ્ર શાહ

શિયાળુ સાંજની વેળ છે થોડી :

હાલ્યને વાલમ! આંચને આધાર ખેલીએ આપણ,

નીંદર આવશે મોડી.

ચીતરી મેલી ચૉસર, મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,

ધોળિયો પાસો ઢાળિયે, જો'યે કોણ રે જીતે જંગ.

આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી,

હાલ્યને વાલમ ! ખેલીએ આપણ, નીંદરું આવશે મોડી.

નેણથી તો નેણ રીઝતાં ને કાન, વેણની એને ટેવ,

વાત કીજે એલા કેમ રે ભેટ્યાં ભીલડી ને મા'દેવ.

કોણ ભોળું, કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી!

હાલ્યને વાલમ! ખેલીએ આપણ, નીંદરું આવશે મોડી.

આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઈં,

હાર કે જીત વધાવીએ આપણ એકબીજાનાં થઈં,

અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી;

હાલ્યને વાલમ! ખેલીએ આપણ, નીંદરું આવશે મોડી.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 46)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ