shishir - Geet | RekhtaGujarati

ખરખર ખરે

પાનખર-પર્ણ

ઝરમર ઝરે.

શિશિરની શીત લહર જરી વાય,

વૃક્ષની કાય,

જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે!

પીત અતિ શુષ્ક

ખડખડે રુક્ષ

વૃક્ષથી ખરે,

હવામાં તરે,

ધીમેથી ધરતી પર ઊતરે

એક પછી એક

ઝરંત અનેક

પત્રનો તંત

વહંત અનંત

ઊઘડે તરુવર કેરી કાય

ચીવરે પીત ધરા ઢંકાય,

વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન

પીત ચીવરમાં ધરતી મગ્ન

બેઉ તપ તપે

પંખી પંખીની સોડે લપે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 336)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007