Shatdal Padma ma Podhelo - Geet | RekhtaGujarati

શતદલ પદ્મમાં પોઢેલો

Shatdal Padma ma Podhelo

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
શતદલ પદ્મમાં પોઢેલો
ન્હાનાલાલ દલપતરામ કવિ

શતદલ પદ્મમાં પોઢેલો

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો. ધ્રુવ.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,

શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;

શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :

દીઠો દુનિયાફોરેલો :

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,

પાંખડી પાંખડી પૂરેલો;

ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો,

પંખીડે પંખીડે પઢેલો :

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

અડધેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને

આસવ ઢોળિયો અમોલો;

હૈયાના ધૂપ સમો ઉડતો બતાવો કોઈ

જીવનપરાગ જગત્ઘેલો :

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

શતદલ પદ્મમાં પોઢેલો

હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

સ્રોત

  • પુસ્તક : ન્હાના ન્હાના રાસ ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ન્હાનાલાલ દલપતરામ કવિ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1928