shaishavno saad - Geet | RekhtaGujarati

શૈશવનો સાદ

shaishavno saad

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
શૈશવનો સાદ
રાજેન્દ્ર શાહ

દૂરથી આવે શૈશવનો સાદ સુકોમળ, આજને આંગણ;

અડધા ખૂલ્યા બારણેથી મન જાય રે દોડી વયનું એને કોઈ વારણ...

ઘેર ઘટાળા વડલે

ખેલે ઝૂલવી જટા

ગામનો આરો વેગળો મેલી

ભેખડ ભીસ્યાં

જલમાં પડી ન્હાવું;

કાળવી તે કોયલને ચાળે ચીડવી

એના ભોલડ બોલે ભરવું કાનન...

ગાયને ગળે ઘંટડી બાંધી

ધરવું એને

ખોબલે આણ્યું ખાવું

પોળનાં નાનાં ગલૂડિયાંને

એકઠાં કરી

શેડકડું દૂધ પાવું;

વાંકડીઆ મોવાળમાં મેલી મોરનું પીંછું

મોરલીને છંછેડવી ભાવન...

આજ અકારણ

શૈશવને સાદ ઘેલું મન

જાય રે હડી કાઢતું,

ના ગણકારતું જરા કોઈનું વારણ...

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 84)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ