jeens kapine karel chaDDinun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીન્સ કાપીને કરેલ ચડ્ડીનું ગીત

jeens kapine karel chaDDinun geet

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
જીન્સ કાપીને કરેલ ચડ્ડીનું ગીત
ચંદ્રકાન્ત શાહ

ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ

કોઈ કન્યાની ટૉપલેસ બૉડી પર જોવાનું સુખ વેરી મચ

કાપીકૂપીને એમ ટૂંકાવાતું જો હોય બધ્ધું

તો ટૂંકાવવા છે મારે અંધારાં

અજવાળાં, સ્થળ અને કાળ, વાર, તહેવારો, ચોઘડિયાં

જીન્સ જેમ જીવવાનો જંગ પણ ટૂંકાવું

ને અલ્લાલા બેલી ! શ્ચાસોચ્છ્વાસોનાં હથિયાર પછી ના છડિયાં

કાં પછી વિચારોના વૈભવને મૂકીને તડકે

ઘોઘમાર તડકામાં, જીન્સભેર નહાતી

કોઈ ફૉરેનર કન્યાને જોયા કરવી છે ચૂપચાપ

નરી આંખેથી ટગ ટગ ટગ નર્યા હોઠેથી બચ બચ બચ

ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસક્સતું ટૂંકું ને ટચ

કોઈ કન્યાની ટૉપલેસ બૉડી પર જોયાનું સુખ વેરી મચ

આમ ભલે કહેવાઈએ મેઇડ-ઇન હિઅર-એન્ડ-ધેર, બ્રાન્ડ સો-એન્ડ-સો છાપ

બાકી ચડ્ડી બનાવવા ફાડીને ફેંકાયલ

નવ્વા નક્કોર કોઈ જીન્સ જેવા હું, તમે ને આપણે

આપણને કાપીકૂપી બનેલ ચડ્ડીઓ લ્હેર કરે

કોણ જાણે ક્યાં ક્યાં ને કેવી કોઈ ટૉપલેસ બૉડીના તાપણે

અસ્સલમાં આપણે તો અશ્વત્થામાએ

રગદોળીને ફેંકી દીધેલ કોઈ સેકન્ડહેન્ડ જીન્સ

અને કહેતા ફરવાનું કે આઈ એમ સચ-એન્ડ-સચ

ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું ક્સક્સતું ટૂંકું ને ટચ

પાદરનો સીન હોય, વડવાઈઓ હોય થોડાં છોકરાંઓ હોય,

એક ગાડું પણ હોય, અને હેલ લઈ ઊભેલી પનિહારી હોય

એવું પિક્ચર પરફૅક્ટ કોઈ નૈસર્ગિક સૌંદર્ય જોતા થઈ જાય, અરે વાહ!

પણ અમથી દેખાઈ જાય જીન્સભેર બાઇક ઉપર બેઠેલી

ઉપરથી નીચે લગ ઍટમબૉમ્બ છાપ કોઈ હણહણતી બ્લૉન્ડ

તો સવ્વા ત્રણે કરોડ રૂંવાડાં સોંસરવી સણસણતી નીકળી જાય, આહ!

જો કે આમ બધો જીન્સનો વાંક

બાકી આપણે તો રહ્યા મૂળ માણસની જાત

પછી હોય ભલે દેશી કે ફ્રેંચ વળી સ્કેન્ડિનેવિયન અને ડચ

ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું ક્સસકતું ટૂંકું ને ટચ

કોઈ કન્યાની ટૉપલેસ બૉડી પર જોયાનું સુખ વેરી મચ

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ–બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000