awagatni endhani - Geet | RekhtaGujarati

અવગતની એંધાણી

awagatni endhani

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
અવગતની એંધાણી
મનુભાઈ ત્રિવેદી

સંતો, અવગતની એંધાણી,

ચાતક પીએ એઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર

એની પરબ મંડાણી;

સોનેરી દોરેથી ને હેમલા હેલથી

રૂપેરી ધાર રેલાણી:

હે સંતો તોય તરસ છિપાણી

કે ચાતક પીએ એઠું પાણી!

માનસર છોડીને આવ્યો શું હંસલો

માછલીએ મન આણી!

ચતુર ચકોરની ચૂકીને ચાંદની

આગિયે આંખ ખેંચાણી!

હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી

કે ચાતક પીએ એઠું પાણી!

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા

સંતની નિષ્ફળ વાણી;

દાસીય નો'તી મનમો’લમાં થઈ

માયા આજ મહારાણી!

હે સંતો, આવે પ્રલય લો જાણી

કે ચાતક પીએ એઠું પાણી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004