malo to— - Geet | RekhtaGujarati

મળો તો—

malo to—

જગદીશ જોશી જગદીશ જોશી

તમે સાંજે મળો તો મને એકલા મળો

કે મારા દિવસ આખાને વળે હાશઃ

-આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં

ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે—

તો નીંદરમાં બાવળની શૂળ;

ઝાંઝવાંની જીવલેણ નદીયું પર બાંધો નહીં

વાયદાના ભાંગેલા પુલઃ

એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ

કે તમે મળવામાં આટલા ઉદાસ!

ધોધમાર તડકો કંઈ આછો થયો

અને સાંજની હવા તો હવે બ્હાવરી;

કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં

વરસી નહીં કે નહીં આછરી:

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી

ને શબ્દોના ટૂંપાયા શ્વાસ!

(૭-૭-૧૯૭પ)

સ્રોત

  • પુસ્તક : વમળનાં વન (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : જગદીશ જોશી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1976