ek piluna jhaDni tale - Geet | RekhtaGujarati

એક પીલુના ઝાડની તળે

ek piluna jhaDni tale

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
એક પીલુના ઝાડની તળે
મનોહર ત્રિવેદી

એક પીલુના ઝાડની તળે...

બપોરવેળા થાય ને કેડા તડકા છોડી એકબીજાને રૂબરૂ મળે...

ડાળખીમાંથી હળુક હળુક વાયરો થાય પસાર

ને જોઉં માવડી જેવી છાંયડી મને વીંજણો ઢોળે

પાંદડાં જરીક ખરતાં અડી જાય તો લાગે

આમ અચાનક કોઈ મારામાં વળતું ટોળે

કોણ જાણે પણ કેમ એકાએક દૂરનું તળાવ છલકાઈ મારી આંખમાં વળે...

થોર કાંટાળી બોરડી કરંજ કેરડો બાવળ

કૈંકને ભોળા ભાવથી પણે સાચવે શેઢો

જાગતી નજર દશ દિશામાં આવજા કરે :

એક સીમાડો પળ ના એકે મૂકતો રેઢો

અહીંથી ઊભો થૈ પણે હું જું તો સગાઈ પારખી ઝાંપો ઊઘાડી મને મળશે ગળે...

ડમરી થોડી ઊડશે તે ઊતરસે મારા શ્વાસમાં

એને અળગી કરું કેમ, તે મને ફાવશે નહીં

નીક ભીની આ, આંબલીની ગંધ

માળાના સૂર મને છલકાવતા અહીં

થાય છે ભેરુ, આટલામાં હું ને ઢળે સાંજ પછી ધીમેકથી મારી સાંજમાં ભળે...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017