ame – tame - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે તમારે છજે ધૂંધળી સાંજ બની ફેલાયા;

અમે કબૂતર પાંખ તળે આકાશ સમા સંતાયા.

અમે તમારા ઘરને મારગ જતી સાંકડી કેડી,

તમે જુઓ જ્યાં વાટ ઢોલિયે, અમે અટૂલી મેડી.

અમે ટોડલે થરથરતા દીવાની કથ્થઈ છાયા

અમે તમારે છજે ધૂંધળી સાંજ બની ફેલાયા.

અમે ગાગર ભીંત, ઓકળી તમે તરત લીંપેલી;

તમે હિલોળી આંગળીઓ જ્યાં ચિતરામણ ફણગેલી.

અમે હિંડોળો સ્તબ્ધ ઠેસ થઈ તમે સતત લહેરાયા

અમે તમારે છજે ધૂંધળી સાંજ બની ફેલાયા.

તરસ બની તરડાવું અમારે અવાવરુ પાણિયારે;

તમે કળાયલ મોર બનીને ઝળહળ થાવ બુઝારે.

તમે કંકુના થાપા, ઊંબર બની અમે ઠરડાયા.

અમે તમારે છજે ધૂંધળી સાંજ બની ફેલાયા.

સ્રોત

  • પુસ્તક : પ્રીતગુંજન (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ગુંજન બરવાળિયા
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1973