આપણી વાત
aapnii vaat
ગોપાલ શાસ્ત્રી
Gopal Shastri

છાની છપની વાત અજાણી ગામમાં વે'તી થઈ,
કોક પૂછે તો એમ કે'વું કે અમને ખબર નઈ!
આથમતી આ સાંજની સાખે આવતી તને જોઈ,
વાયરાની જેમ દોટ મેલી તો ક્યાંય ના દીઠું કોઈ,
ત્યાં અચાનક કાનમાં મારા સગડ આપે સઈ.
કોક પૂછે તો...
સાવ સૂની આ સીમમાં તને દેખતાં ફૂટ્યું ગીત,
આંખમાં માઝમરાતનાં સમણાં રેલાવે સંગીત,
ક્યાં લગ મળવાનું નજર્યુથી સાવ અજાણ્યા થઈ?
કોક પૂછે તો...



સ્રોત
- પુસ્તક : તારા વિના (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : ગોપાલ શાસ્ત્રી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2007