samajya - Geet | RekhtaGujarati

સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ...સમજ્યા.

અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ...સમજ્યા.

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ...સમજ્યા.

અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ...સમજ્યા.

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ...સમજ્યા.

અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ...સમજ્યા.

તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ...સમજ્યા.

ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ...સમજ્યા.

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ...સમજ્યા.

અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ...સમજ્યા.

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત...સમજ્યા.

અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથી બાંધું તંત...સમજ્યા,

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005