sadho, nahin kajiyo nahin kaji - Geet | RekhtaGujarati

સાધો, નહીં કજિયો નહીં કાજી

sadho, nahin kajiyo nahin kaji

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, નહીં કજિયો નહીં કાજી
હરીશ મીનાશ્રુ

સાધો, નહીં કજિયો નહીં કાજી

નહીં ઈતરાજી કોઈ વાતની, નહીં કોઈ વાતે રાજી

વણપડછાયે પુરુષ પધાર્યો

ધરી તેજના વાઘા

વણભૂખ્યો ભિક્ષાને ખાતર

વિધવિધ કરતો ત્રાગાં

અન્નકૂટ: એંઠાં બદરિફળ, મહાભોજ તે ભાજી

વણનકશાનું નગર અમારું

નહીં ઘરને દરવાજા

વણમસ્તકનો મુરશિદ બોલ્યો

જોગી, અંદર જા

પડ્યો બોલ ઝીલ્યો, વણજિહ્વા પૂરી ટાપસી: હાજી

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડૉ. મોહન પટેલ
  • વર્ષ : 2015