hwe raat paDshe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવે રાત પડશે

hwe raat paDshe

મકરંદ દવે મકરંદ દવે
હવે રાત પડશે
મકરંદ દવે

હવે રાત પડશે.

હવે છેલ્લાં કિરણોના કણ કણ ચણીને,

લપાતા-છુપાતા અવાજો હણીને,

અને છાઈ દઈ પૃથ્વીની છાવણીને

મહાઘોર પંખીની કાળી નિરાકાર પાંખો ફફડશે,

હવે રાત પડશે.

હવે બારણાં-બારી વેગેથી વાસો

નકૂચા ને સાંકળ બરાબર તપાસો,

જુઓ, નાખશો નહિ જરાકે નિસાસો,

તમારી મેડી ઉપર કોઈ ઓળો ચુપાચુપ ચડશે;

હવે રાત પડશે.

ગલીને ખૂણે પેલો ખંડેરી ખાંચો

જુઓ તો સરે છે શું કંકાલી ઢાંચો

કહે છે, ઊઠો, પહેરો ઝાંઝર ને નાચો!

અને એમ વાયુ થઈને વિચરતી જમાતો જડશે;

હવે રાત પડશે.

સૂના મંદિરે કોઈ સપનામાં મ્હોતી

અને વાવને કાંઠડે વાટ જોતી

હશે ઝૂરતી રાત સૂમસામ રોતી

તમે શું જશો? એની પાસે જઈ હાય, જશે તે રડશે;

હવે રાત પડશે.

મસાણે અઘોરીની મૂરત મૂંગી

જુઓ, કેવી દમ લેતી ચેતાવે ચૂંગી

અને સાથ ભરડો હટાવી ભુજંગી

તિખારે તિખારે ગહન તારકોનાં દુવારો ઊઘડશે;

હવે રાત પડશે.

હવે રાત પડશે ને ભેરવને થાનક

પતાકાઓ કાળી ફરકશે ભયાનક

અને ત્યાં તો પૂરવને કાંઠે અચાનક

નવી પીળ તાણી જતી કોઈ કન્યાનાં વાજાં વગડશે;

હવે રાત પડશે.

સ્રોત

  • પુસ્તક : કોઈ ઘટમાં ગહેકે ઘેરું-૨ (પૃષ્ઠ ક્રમાંક 270)
  • સંપાદક : ઈશા કુન્દનિકા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006