aaj - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,

આજ સૌરભ ભરી રાત સારી;

આજ શાલની મંજરી ઝરી ઝરી

પમરતી પાથરી દે પથારી. આજ.

આજ પારથી ગંધને લાવતી

દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;

આજ આકાશથી તારલા માંહીથી

મહેકતી આવતી શી સુગંધી! આજ.

ક્યાં, ક્યું પુષ્પ એવું ખીલ્યું, જેહના

મઘમઘાટે નિશા આજ ભારી?

ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણેઃ

ક્યાં થકી સૂર કેરી ફુવારી? આજ.

હ્રદય વ્યગ્ર જે સૂર કાજે; હતું

હરિણ શું, તે મળ્યો આજ સૂર?

ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,

આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004