hun ne miran - Geet | RekhtaGujarati

હું ને મીરાં

hun ne miran

ઈન્દુલાલ ગાંધી ઈન્દુલાલ ગાંધી
હું ને મીરાં
ઈન્દુલાલ ગાંધી

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં,

ઘૂઘરીને ઘમકારે ઘેલાંઘેલાં થ્યાં 'તાં:

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં.

હાથમાં લાકડીઓ હતી,

પગમાં ચાખડીઓ હતી,

મંદિરની ઓસરીમાં રાત અમે રયાં 'તાં.

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં ’તાં.

કાળા કાળા કૃષ્ણ હતા,

ગોરી ગોરી ગોપીઓ,

બોરિયાળી બંડી ને

માથે કાન-ટોપીઓ :

રાસની રંગતમાં અમે કાન ગોપી થ્યાં 'તાં.

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં.

ભજનોની ધૂન હતી

હું મોહ્યો 'તો ગીતમાં,

મીરાં તો જોતી હતી

માધવને ભીંતમાં:

પથરા પણ મીરાંને સાદ પાડી રયા 'તા,

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં.

સ્રોત

  • પુસ્તક : ખંડિત મૂર્તિઓ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : ઇન્દુલાલ ગાંધી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1991