raat parage - Geet | RekhtaGujarati

સૂની સૂની

જૂઈથી ભીની રાત પરાગે રે.

સપના ગૂંથી સપનું થાતી પારવી નીંદર જેમ,

સળીવળી કંઈ સીમ રગેરગ વ્હાલો આવ્યાને વ્હેમ!

મધ મીઠેરા ઘાઘા ઘેરા પાયલ વાગે રે.

રાત પરાગે રે.

ધીરા ધીરા માદક સૂરે તમરાં ગૂંથે ભાત,

એમ લાગે જાણે ધરતી ક્હેતી વ્યોમને કાને વાત!

રણઝણે રણકાર રસીલા રેશમ રાગે રે.

રાત પરાગે રે.

આગિયાઓનાં ઝૂંડ પરોવે હીરા હેમના હાર,

શણગારાતી હોય નવોઢા લાજને તારેતાર,

યુગયુગોની તરસ કેરા ધીખતા ધાગે રે,

રાત પરાગે રે.

કેમ રે સૂતું જગ નિરાંતે! રાત રાણી રસબોળ,

મધથી મીઠી સુંદરતાનો હેલે ચડ્યો હિંડોળ,

લીલું લીલું કોઈ નશીલું ચૂમતું લાગે રે,

રાત પરાગે રે.

સ્રોત

  • પુસ્તક : સ્વાન્તઃ સુખાય (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : લાભશંકર રાવળ 'શાયર'
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2005