dhanya ho! dhanya ja punya pardesh! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધન્ય હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ!

dhanya ho! dhanya ja punya pardesh!

ન્હાનાલાલ દલપતરામ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિ
ધન્ય હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ!
ન્હાનાલાલ દલપતરામ કવિ

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

અમારો ગુણિયલ ગુર્જર દેશ!

કૃષ્ણચન્દ્રની કૌમુદી-ઊજળો,

કીધ પ્રભુએય સ્વદેશ:

અમારો ગુણિયલ ગુર્જર દેશ!

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

આર્યનું સાગરતીર્થ પુરાણ,

તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;

ગીતાના ગાનારા મહારાજ,

પાર્થના સારથિનાં જય્હાં રાજ્ય:

ગ્રીસરોમથીય જૂનાં,

કુરુ-પાંડવથીયે પ્રાચીન,

સોમનાથ, ગિરિનગર, દ્વારકા:

યુગયુગ ધ્યાનવિલીન;

ઊભીને કાળસિન્ધુને તીર

બજાવે બંસરી ભવ્ય સુધીર.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,

નદી ને તળાવ કેરી કુંજ:

કોમળી કવિતા સમ સુરસાળ

સિન્ધુ જ્યહાં દે મોતીના થાળ:

જગજૂનાં નિજ ગીત ગર્જતો

ફરતો સાગર આજ,

કેસર ઊછળી ઘૂઘવે ગરવો

વનમાં જ્યહાં વનરાજ:

ગિરિગિરિ શિખરશિખર સોહન્ત

મન્દિરે ધ્વજ ને સન્ત-મહન્ત.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,

વહાણ ભરી વ્હેતી તેમ નિકાસ;

મોહી આંગણ ઊતર્યો યુરોપ,

વીણવા વાડીના ફૂલરોપ;

વીણી વણસે પુણ્યપાંગરી,

અમ રસભૂમિની છાબ;

જગમોહન મુંબઇ-નગરી જુઓ!

શું પાથર્યો કિનખાબ!

નિત્ય નવફૂલે ખીલે અભિરામ

લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,

સેંથલે સાળુની સોનલ સેર;

છેડલે આચ્છાદી ઉરભાવ,

લલિત લજ્જાનો વદન જમાવ;

અંગ આખેયે નિજ અલબેલ,

સાળુમાં ઢાંકતી રૂપની વેલ;

રાણકતનયા, ભાવશોભના,

સુન્દરતાનો શું છોડ!

આર્ય સુન્દરી! નથી અવનીમાં

તુજ રૂપગુણની જોડ;

ભાલ કુંકુમ, કર કંકણ સાર,

કન્થના સજ્યા તેજશણગાર.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,

નાતજાતે ન્હાનડિયા ઘોળ,

ક્ષત્રીજાયાનાં ન્હાનલ રાજ્ય,

ધર્મના ન્હાનકડા સમાજ;

વૃદ્ધ ચાણક્યે વર્ણ્યાં પૂર્વે

ન્હાનાં પ્રજાનાં તન્ત્ર,

એહ પુરાતનના પડછાયા

અમ જીવનજન્ત્ર :

એક ફૂલેવેલે ફૂલતાં ફૂલ,

અમારા એક સુગન્ધ અમૂલ.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

દેશ નિજ તજી ધર્મને કાજ,

સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;

ધર્મવીર પારસીનો સત્કાર

જગત-ઇતિહાસે અનુપ ઉદાર;

ઇસ્લામી યાત્રાળુનું

મક્કાનું મુખબાર;

હિન્દુ, મુસલમિન, પારસીઓને

અહીંયા તીરથદ્વાર:

પ્રભુ છે એક, ભૂમિ છે એક,

પિતા છે એક, માત છે એક,

આપણે એકની પ્રજા અનેક.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

નથી રમી સમશેરોના દાવ,

નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;

શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય

લીધાં વ્રત જાણે હજીય પળાય:

એક ઇડરના વનકેસરીએ,

ભડવીર બાપ્પારાવ,

વિશ્વવન્દ્ય સૂરજકુળ સ્થાપી

ચિતોડ કીધ યશછાંવ :

જન્મભૂમિ દયાનન્દનાં ધામ,

ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ.

ધન્ય હો ! ધન્ય પુણ્ય પ્રદેશ !

સૂરતના રસિક રંગીલા રાજ,

બુદ્ધિધનભર્યો શ્રીનગર-સમાજ;

શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,

કચ્છનાં સાહસિક સન્તાન;

ખંડખંડ વિસ્તરતો હિન્દી

મહાસાગર મહારેલ,

તીરતીર જઇ સ્થાપી ગુર્જરી

સંસ્થાનોની વેલ;

મહાસાગરનાં પૃથ્વીવિશાળ

સરોવર કીધાં ગુર્જરી બાળ.

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ !

વનેવન લીલો ઘટાસોહાગ,

જગતનો દીપે શું અમૂલખ બાગ!

સજાવ્યા જૈને રસશણગાર,

લતામંડપ સમ ધર્માગાર;

ભારતીએ કંઇ ફૂલફુવારો

અંજલિમાં શું લીધ!

દિશદિશમાં ફૂલધાર ઉડાવી

દિલના પરિમળ દીધ!

હિન્દમાતાની લાડીલી બાળ!

ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ!

ધન્ય હો! ધન્ય પુણ્ય પ્રદેશ!

અમારો ગુણિયલ ગુર્જર દેશ!

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002