મને ‘બેન’ કહીને હેનો બોલાવસ?
mane 'ben' kahiine heno bolaavas?
દેવાંગી ભટ્ટ
Devangi Bhatt

લાજતો નથી બળ્યા કાળમુખા, મને ‘બેન’ કહીને હેનો બોલાવસ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું ઇને ફૂંકી–ફૂંકીને પેટાવસ?
બેન ગામની બાયું ને બેન બલારાત, બેન ઓલી વયણાંગી રાધા
ઈ રાધુડી પયણીને બીજે ગામ જાય, ઈની તયણ નાળિયેરની સે બાધા
ભીતરના ડામચીયે દાબી સે વાત, રોયા ખુલ્લી પરહાળમાં ખોલાવસ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મને ‘બેન’ કહીને હેનો બોલાવસ?
ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, મૂઆ મારે ગાય–ભેંશુ નથ?
ઊંધું ઘાલીને રોજ વાટકી દઈ દે’સ, તને પઈનું યે હમજાતું નથ?
આખા મલકમાં લીલા કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મને ‘બેન’ કહીને હેનો બોલાવસ?



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ