have - Geet | RekhtaGujarati

વાતને રસ્તે વળવું નથી

આપણે હવે મળવું નથી.

આપણો મારગ એકલવાયો

આપણે આપણો તડકો-છાંયો :

ઊગવું નથી, ઢળવું નથી

આપણે હવે મળવું નથી.

હોઠથી હવે એક હરફ

આંખમાં હવે જામતો બરફ :

અમથા અમથા ગળવું નથી

આપણે હવે મળવું નથી.

સ્રોત

  • પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સર્જક : જગદીશ જોષી
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1998