neDo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારે ને મારે નેડો હો લોલણી

તારે ને મારે નેડો રે લોલ,

ગમ્યો ગવનનો છેડો હો લોલણી,

તારા ગવનનો છેડો રે લોલ.

વે’લા પરોઢની વાતો હો લોલણી,

ઝાંખા પરોઢની વાતો રે લોલ,

ધીરો ધીરો વાયરો વાતો હો લોલણી,

મીઠો મીઠો વાયરો વાતો રે લોલ.

ધરતીની ફોરમ મોંઘી હો લોલણી,

ધરતીની ફોરમ મોંધી રે લોલ,

કેવડો ને કસ્તૂરી સોંઘી હો લોલણી,

કેવડો ને કસ્તૂરી સોંઘી રે લોલ.

કંઠમાં કોયલનો માળો હો લોલણી,

કંઠમાં કોયલનો માળો રે લોલ,

ટૌંકે ગજાવતી સીમાડો હો લોલણી,

ટોકે ગજાવતી સીમાડો રે લોલ.

સૂડલા ટોવા જાતાં હો લોલણી,

સૂડલા ટોવા જાતાં રે લોલ,

માળે ચડીને ગીત ગાતાં હો લોલણી,

ઝાડે ચડીને ગીત ગાતાં રે લોલ.

બાંધીને ગીતનો હિંડોળો હો લોલણી,

બાંધીને પ્રીતનો હિંડોળો રે લોલ,

ખાધેલો આપડે ઝોલો હો લોલણી,

ખાધેલો જીવનઝોલો રે લોલ.

મેલીને માળાની માયા હો લોલણી,

ઠેલીને માળાની માયા રે લોલ,

ગોતી તેં આંબાની છાયા હો લોલણી,

આઘેના આંબાની છાયા રે લોલ.

દૂર દૂર ફરકે છે છેડો હો લોલણી

તારા ગવનનો છેડો રે લોલ,

છેડે ગાંઠ્યો મારો નેડો હો લોલણી,

ગાંઠ્યો છે છેડે મેં નેડો રે લોલ.

(૪-૧-૪ર)

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ