najarun lagi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નજરું લાગી

najarun lagi

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
નજરું લાગી
હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર

ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,

અમોને નજરું લાગી!

બે પાંપણની વચ્ચેથી

એક સરકી આવી સાપણ

ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,

હવે ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર

નજરના આમ તૂટે તાર

અમોને નજરું લાગી!

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,

ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,

જડને યે સૂઝ

તો રહેવું કેમ કરી અણબૂઝ

અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,

આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય વાસ

અમોને કેમ લાગે પાસ?

અમોને નજરું લાગી!

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક,

ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,

ચિત્ત ચોટે ક્યાંય

હવે તો રહ્યુંસહ્યું ના જાય,

અમોને નજરું લાગી!

‘લ્યો, નવું વાળી લઉં પાછી’એમ કહી કો આવ્યું,

નજરું પાછી નહીં મળે દરદ હવે મનભાવ્યું,

હવે નજરનો ભાર

જીવનનો થઈ બેઠો આધાર.

અમોને નજરું લાગી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 362)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004