phaliyaman ropi chhe kel - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફળિયામાં રોપી છે કેળ

phaliyaman ropi chhe kel

હરીશ્ચંદ્ર જોશી હરીશ્ચંદ્ર જોશી
ફળિયામાં રોપી છે કેળ
હરીશ્ચંદ્ર જોશી

ફળિયામાં રોપી છે કેળ,

સૈ, હવે કૂંપળ ફૂટવાની થૈ વેળ.

આંખોને શણગારી લાભ-શુભ આંજીને

ખુલ્લાં મેલ્યાં છે કમાડ,

સોળ સોળ વરસોથી ગોરંભ્યા આભમાં

થાતો ઝીણેરો ઉઘાડ,

અવસરના દોમ દોમ અજવાળે ઝબકે છે,

ભીતરની અંધારી નેળ...

ફાગણના ફાગ કોઈ ગાતું ને સંભળાતાં

શંકર-પારવતીનાં ગાણાં,

પરદેશી પંખીને પિયરના આંગણમાં

નાખું છું દિવસોના દાણા,

ઘડી કોઈ સાફો ને ઘડી કોઈ ઘરચોળા

વચ્ચે થઈ જાય સેળભેળ...

સપનાંઓ સીંચી ઉછરેલી લાગણીએ

વૈશાખી ફૂલ એક મ્હોરતું,

પાછલી પરોઢ ભીના વાયરાની સંગાથે

આવીને કોણ મને ચોરતું,

મેંદી મૂકેલ મારી જમણી હથેળીમાં

ઊપસ્યો છે મરમાળો મેળ...

સ્રોત

  • પુસ્તક : ભિન્ન ષડ્જ
  • સર્જક : હરિશ્ચન્દ્ર જોશી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2007