રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું, તો ગોધરેથી હેંડી, હેંડી આઇ રે રાયકા
hu to godhrethi hendi, hendi aai re rayka
‘હું, તો ગોધરેથી હેંડી, હેંડી આઇ રે રાયકા
નોં રે જોયો તારો દેશ’…
સાયબીના જેમ મંને બેઠી જવોંની શેંણઇઓ વાગી રે રુદિયે
માટીનું ઢેફુંયે કેસર થઈ જાય એમ કાયાને જળમાં ઉમેરિયે
હું તો સૂના સરવરિયે છાતીબૂડ ઊતરી ને ખળખળતા મૂક્યા રે કેશ...
બળતી બપ્પોર જરા નીકળી હું એકલી તો કેસુડે લાય, લાય દાઝી
વંઠેલ વાયરાએ આંતરીને અધવચ્ચે અંદર ને બહાર મને માંજી
મે તો અભરે ભરેલ બધો છોડી શણગાર કર્યો વ્હાલો રે જોગણનો વેશ...
જોરાશી ચૌટે હું દાંડી પિટાવું ને નવખંડ નોંતરા મુકાવું
ફાગણની જેમ મને ઊજવે છે લોહી એવી વાયકાઓ વ્હેતી કરાવું
હું તો આઠે પ્રહર મને શોધ્યા કરું છું પણ જડતી ના દર્પણમાં લેશ...
હું તો ગોધરેલી હેંડી, હેંડી આઇ રે રાયકા નોં રે જોયો તારો દેશ...
(પ્રથમ પંક્તિ લોકગીતની છે.)
સ્રોત
- પુસ્તક : કવિતા : જૂન-જુલાઈ, 2001 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન