tamne phool didhanun yaad - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમને ફૂલ દીધાનું યાદ

tamne phool didhanun yaad

રમેશ પારેખ રમેશ પારેખ
તમને ફૂલ દીધાનું યાદ
રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળસળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ....

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં

એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં

તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું

પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 287)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004