aapne aawal bawal borDi - Geet | RekhtaGujarati

આપણે આવળ બાવળ બોરડી

aapne aawal bawal borDi

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
આપણે આવળ બાવળ બોરડી
રાજેન્દ્ર શાહ

આપણે આવળ બાવળ બોરડી,

કેસરઘોળ્યા ગલના ગોટા જી;

હલકાં તો પારેવાંની પાંખથી

મ્હાદેવથી યે પણ મોટા જી.

આપણા ધડવૈયા બાંધવ! આપણે.

કોઈ તો રાચે છે વેળુછીપથી,

કોઈ તો જળને હિલ્લોળ જી;

મરજીવો ઊતરે મ્હેરામણે,

માથા સાટે મોતી-મોલ જી.

નજરું ખૂંપી છે જેની ભોંયમાં,

સામે પૂર શું ધાય જી!

અધીરા ઘટડાનો ઘોડો થનગને,

અણદીઠ ઓરું એને પાય જી.

બેઠેલાનું બેઠું રહે વિમાસણે,

વેળા જુએ નહિ વાટ જી;

ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,

વેડે તેને આવે હાથ જી.

પંડની પેટીમાં પારસ છે પડ્યો,

ફૂટલાં કૂટે છે કરંમ જી.

વાવરી જામે તે બડભાગિયો,

જળહળ એનાં રે ભવંન જી.

સ્રોત

  • પુસ્તક : સંકલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : જયવદન તક્તાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ
  • વર્ષ : 1983