kewaDiyano kanto - Geet | RekhtaGujarati

કેવડિયાનો કાંટો

kewaDiyano kanto

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
કેવડિયાનો કાંટો
સરુપ ધ્રુવ

કેવડિયાનો કાંટો અમને અધવચ મારગ વાગ્યો જી!

કોનું છે, ને કોણ ભોગવે પ્રશ્ન પછી તો જાગ્યો જી!

શરમ-શેરડા પડતા હૈયે

કોણ જશે સળ ગણવાજી?!

ભણ્યું ભૂલીને આજ નવેસર,

કક્કા નવતર ભણવા જી!

બામણિયા ગળથૂથી ઑકી, જનમ જૂનો ત્યાગ્યો જી કેવડિયા.

નથી ત્રાજવે સમતુલા કંઈ!

નથી અટકતી દાંજી જી!

અટલુંક અંધારે સૂઝયું ને

ભપ્ ચંપાતી કાંડી જી!

તળિયેથી તે ટોચ લગી બસ! ધગધગતો દવ લાગ્યો જી! –કેવડિયા.

સૌને માથે સૂરજ ચમકે,

સૌને માટે પામી જી!

પણ સોનેરી શોષણ-નળીઓ

સઘળું લે છે તાણી જી!

ધરતીમાંતા સૌની માતા–ભ્રમ ભોળોભટ ભાંગ્યો જી! –કેવડિયા.

આડું ઊભું વધતું, એને

વિકાસ કહે લોકો જી!

પાયામાં ઘરબાયાં માથાં;

ઘરપત નામે ઘોખો જી!

આપ્યાં વચનો અષ્ટમપષ્ટમ અધિકાર જો માગ્યો જી! –કેવડિયા.

હવે હાથ થાય અધીરો-દઉ ભડાકે?!

હવે નથી કો રસ્તો બીજો-દઉ ભડાકે

ગશે દિશા લથપથ જામગરી, ચકમક તણખો દાગ્યો જી! –કેવડિયા.

(પણ ત્યાં તો....)

હાં-હાં-કહેતો, હાથ પકડતો

–કો’ક માંહ્યલો

‘એકલહાથે લડત અધૂરી’

–ક્હે છ્ માંહ્યલો;

હાથ એકથી થાય હજારો મનોરથ જાગ્યો જી!

કેવડિયાનો કાંટો અમને અધવચ મારગ વાગ્યો જી!

રસપ્રદ તથ્યો

રચના સંદર્ભ અમારા પૂર્વજ કવિ શ્રી રાજેન્દ્ર શાહે આ જ શીર્ષક હેઠળ, વર્ષો પહેલાં એક રંગીલું-રસીલું ગીત લખેલું પણ સ્વાભાવિક રીતે, આજે નવમા દાયકાને આરે ઊભેલાં આપણે માટે-કેવડિયાય કંઈ બીજું છે ને આપણને ખટકતો કાંટોય કંઇક બીજો જ છે એવી સ્પષ્ટતાની જરૂર ખરી?!

સ્રોત

  • પુસ્તક : સળગતી હવાઓ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : સંવેદન સાંસ્કૃતિક મંચ
  • વર્ષ : 1995