પોપટજી
popatji
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas
(સારંગ)
વનવાસી પોપટજી તુજને પિંજરે કેમ ગમે?
આકાશે ઊડનારો ભાઈ બંધન કેમ ખમે? ધ્રુવ૦
વનવન ચારો ચૂગતાં જોને પંખેરુ સૌ ભમે,
તાજા મેવા તજી અરે તું વાશી ફળફલ જમે. વનવાસી૦
આપ્યું ખાવું, આપ્યું પીવું, હવા પૂરી ના મળે,
સહેલ ગગનની નથી અરે! પણ પાંખે ક્યાં સવળે? વનવાસી૦
કિલકિલ કિલકિલ ગાય મધુરું પંખીડાં જો પણે,
તું તો તારી ભાષા ભૂલ્યો પરની ભાષા ભણે. વનવાસી૦
તોડી આ સળિયાને ચાંચે છોડી પિંજરને
જાને દોડી તારા વનમાં મોજ મજા કરને! વનવાસી૦
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 199)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
