gowaliyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોવાળિયો પાદરથી એક દે ટૌકો

ને અંગ મારે પીઠી ચડે જે!

માઝમ રાતોની ચાંદની ઊની કે

સોણલાં પાંપણ અડે જે!

પાણિયારે સૂરજની સાત સાત માંજી મેળેલ

કાંઈ ઝબકી ઝબકી ઊઠે રે મારી હેલ,

ઓઢણે ટાંક્યાં તે આભલાં ભેળી ભરેલ

મારી ફાલી ઊઠે રે લીલી વેલ,

પિત્તળિયો વાગ્યે, ખોવાયલું ગાણું

તે કંઠને પાછું જડે જે!

ઘૂઘરીનો મીઠો રણકાર લઈ આવે ગાયોનું ધણ

કોઢમાં પડે છે ભલી ભાત,

શેડકઢી તાસળે ચાંદની પીધી ને પોઢ્યાં તૈં

પાદરશું ઓરું પરભાત.

વરણાગિયો આવે ને ચીતરેલ ભીંતોની ઢેલને

લ્હેકો જડે જે!

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988