rotlani manDi mhonkan - Geet | RekhtaGujarati

રોટલાની મંડઈ મ્હોંકાણ

rotlani manDi mhonkan

સાહિલ પરમાર સાહિલ પરમાર
રોટલાની મંડઈ મ્હોંકાણ
સાહિલ પરમાર

‘મા, મનઅ ચાંદલિયો આલો’ની રઢ મેલ, રાંમા

આંય રોટલાની મંડઈ મ્હોંકાણ.

બાર બાર વરહે ના નીર જેમાં આયાં’તા

એવા નવાંણ જેવું ઘર,

પાએ, તે પાએ માટીનાં ભેંતડાં

ઊધઈના જાંમેલા થર,

બાકોરાં સાદડીનાં ચોમાહે પાંણીની

છુટ્ટા હાથે કરતા લ્હાંણ... મા, મનઅ.

ગાલ્લાનાં પૈડાં ચેવા મોટાં લ્યાં એવો

રૂપિયો અતો રાંણીછાપનો,

ઘહઈન્ ઘહઈન્ એવો નેનો થૈ જ્યો નહીં

પ્હોંચતો પગાર તારા બાપનો;

રાંમની વાતો તો એથી જૂના જમાંનાની

ઈનું વાંચીન તું ના ભેંકડાઓ તાંણ... મા, મનઅ.

બાપ તારો કાંય નહીં દરસથ રાજા નહીં,

મુંયે અયોધ્યાની રાંણી,

રાંમે તો રાંણીન માગ્યો હજીરો’લ્યા

ખોપડી તારીય થઐ કાંણી?

રાજાના ઘરની તું વાતો કરઅ લ્યા પણ

ઘરનો ખૂણો તો પ્હેલો જાંણ... મા, મનઅ.

સ્રોત

  • પુસ્તક : દુંદુભિ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2001