bane kagal - Geet | RekhtaGujarati

તેં અપાવેલ જીન્સ પ્હેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા

આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી

વચ્ચે સફેદ કોરો કાગળ

કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

અમે મજામાં છીએ

કેમ છે તું?

લખવા ખાતર લખી રહી છું

પુછવા ખાતર પૂછું છું હું

લખવાનું બસ

આટલાં વરસે મેલાં થઈ થઈ

જીન્સ મારા બની ગયાં છે મેલખાઉ તો એવાં

કે ઘોવાનું મન થતું નથી

જીન ધોવાને અહિયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી

સખી સાહેલી કોઈ નથી

નથી નજીક કોઈ ખેતર, કૂવા, કાબર, કોયલ

નથી નજીકમાં ધોળા બગલા

ઘોળું વૉશર, ધોળું ડ્રાયર,

બ્લુ જીન ધોવા ધોળા વોશિંગ પાવડર

ઘડી ઘડીમાં static થાતાં જીનને માટે

Anti-static ધોળાં fabric softener

લીલાં વૃક્ષો લાગે ધોળાં

ધોળું બ્લુ આકાશ

સાત રંગનું મેઘઘનુષ પણ ધોળું લાગે

ધોળું કાજળ ધોળો સુરમો

ધોળું કંકુ ધોળા લાગે ધોળા ચોખા

ધોળો, ધોળો, સાવ સફેદ ધોળો ગુલાલ

ધોળાઓના દેશ મહીં કેવાં કાળાં ભાગ્ય

કરમની કઠણાયુંને હું ધોળે દિવસે ખાંડ્યા કરતી બેઠી છું અહીં

બેઠી છું, બહુ વખતે વિહ્વળ લખવા

આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી

વચ્ચે બહુ ધોળો નહિ એવો, આગળ વધી રહેલો કાગળ

કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે અટકળ લખવા

કાગળમાં હું ફરી ફરીને લખું છું બા

ધોયેલાં જીન સૂકવવા નથી અહીં કોઈ આંબાવાડી

તડકા પણ અહીંના છે sterilized

હવા અહીંની EPA controlled

Sprinklerના પાણીથી ઊગે થોડું થોડું લીલું લીલું ઘાસ

ઘાસ અહીંનું સૌનું નોખું, નોખું પાણી, નોખા તડકા

જીન્સ અહીં તો બોલચાલનાં નોખાં

નોખાં હળવાનાં મળવાનાં નોખાં રીતભાતનાં

એકબીજાને ગમવાનાં પણ નોખાં

નોખાં TV, નોખાં remote

નોખી party, નોખા vote

નોખી ગાડી, નોખા ફોન

નોખાં નામ, જશવંત જ્હોન

એક છતની નીચે સહુનાં નોખાં નોખાં ઘર

નોખી નોખી વહુઓનાં છે નોખા નોખા વર

મારા ઘરમાં મારાથી હું નોખી થઇને બેઠી છું મારાથી થોડે દૂર

દૂર દૂર થઈ બેઠી છું બહુ વખતે સાંધણ લખવા

આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી

વચ્ચે લખવા ધારેલ ટૂંકો પણ લાંબો થઈ ગયેલો કાગળ

કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાંધણ લખવા

કાગળને ઊંઘો કરતાં બીજી બાજુ પણ લખું છું બા

સ્હેજ સુકાયેલ જીનને પૂરાં સૂકવવાને

ઊંધા કરતાં almost life થઈ ગઈ ઊંધી

ઊંધા રસ્તા, ઊંધી ગાડી

ઊંધા માણસ, ઊંધી લાડી

ઊંધી વાતો કરતાં કરતાં, રોજ વિતાવું ઊંધી રાતો

ઊંધા નળમાં રોજ રોજ હું ઊંધું પાણી સીંચું

ઊંધાઊંધા અંધારામાં, અજવાળાં કરવાની ઊંધી સ્વીચું

અહીંનું ઊંધું

ઊંધા ય, ર, ઊંધા લ,

ઊંધા ની સાથે સીધી

બેઠી છું હું સૂમસામ થઈ

બેઠી છું બહુ વખતે 'સાજણ' લખવા

આછા બ્લુ ડેનિમ, અને સેફાયર બ્લુ છે શાહી

વચ્ચે પૂરેપૂરો અને આમ અધૂરો કાગળ

કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે 'સાજણ' લખવા

છેલ્લે છેલ્લે લખવાનું કે

ઘડી ઘડી ધોવાતાં

જીનની ચારે કોર દ્વિઘાના

અકળામણના સળ પડ્યા છે ઊંડા

સળ પડ્યા છે જીનની ઉપર

USA માં યેનકેન settle થવાના

Settle થાવાની શરતોના

શરતોને આધીન થવાના

આધીન થઈ adjust થવાના

Medicalને વશ થવાના

Social securityને પરવશ થવાના

USAમાં વડોદરાને વશ થઇને બેઠી છું હું

બેઠી છું બહુ વખતે વળગણ લખવા

આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી

વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ

કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000