parkammaavaasii - Geet | RekhtaGujarati

પરકમ્માવાસી

parkammaavaasii

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
પરકમ્માવાસી
બાલમુકુન્દ દવે

આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,

પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;

મનખે મનખે ધામ ધણીનું

મથુરાં ને રે કાશી :

ભોમકાનાં ભમનાર પ્રવાસી.

સંત મળ્યા તેને સાંઈડું લીધું,

ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;

અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!

ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :

ભોમકાનાં ભમનાર પ્રવાસી.

વેમાનની અમે વાટ ના જોતાં,

વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;

પેદલ ચાલતાં ચાલતાં મા'લતાં

ભમવા નીસર્યા લખચોરાશી :

ભોમકાનાં ભમનાર પ્રવાસી.

થીર મુકામમાં જંપ વળે ના,

વાટ ને ઘાટના જીવ પ્યાસી;

ધરતીના કણકણમાં તીરથ

એનાં અમે પરકમ્માવાસી :

ભોમકાનાં ભમનાર પ્રવાસી.

સ્રોત

  • પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010