watoni kunjagli - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાતોની કુંજગલી

watoni kunjagli

જગદીશ જોશી જગદીશ જોશી
વાતોની કુંજગલી
જગદીશ જોશી

વાતે વાતે તને વાંકું પડયું :

ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડયું?

મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:

પણ અડકો તો ભોમ સાવ કોરી:

તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ

હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછુ રડ્યું:

મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ

કે અણધાર્યો તૂટી પડ્યો સેતુ:

પાસે રહીને મને લાગે છે કેમ હવે

કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું:

ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

(૧૩-૯-૧૯૭૪)

સ્રોત

  • પુસ્તક : વમળનાં વન (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : જગદીશ જોષી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1976