ukhanun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દૂધે ધોઈ ચાંદની

ચાંદનીએ ધોઈ રાત,

એવામાં જો મળે તો

વ્હાલમ, માંડું રે એક વાત

અર્ધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,

એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.

વાત સમજ તો વ્હાલમ

ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,

વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.

ભેદ સમજ તો તને વસાવું

કીકીમાં રળિયાત

મગથી ઝીણાં મરી, વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,

એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;

દાખવ તો પિયુ!

તને દઉં હૈયાની ઠકરાત.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 186)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973