maDini jhumpDi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માડીની ઝુંપડી

maDini jhumpDi

જીવાભાઈ પટેલ જીવાભાઈ પટેલ
માડીની ઝુંપડી
જીવાભાઈ પટેલ

દુખિયાંનો વિસામો રે, માડી ત્હારી ઝુંપડી,

રણ વગડાનો છાંયોરે, આંધળિયાંની લાકડી-

કુંજેનિકુંજે લચી વલ્લરી, નિર્ઝરિયાં સંતાય;

વિમળ કમલ દલ પર પંખીડાં બ્રહ્મલીલાને ગાય;

રઢીયાળી વાડીરે, સેાહવતી જે ઝુંપડી,

આજે ખાવા ધાતીરે, નિર્જન રણમાં ઝુંપડી—દુખિયાંo

ધર્મ કર્મ રસકસ લુટાયું, ઘર ઘરવખરી હીર,

છતી સંતતિ સત્ત્વ લુટાયું, ખેચાયાં તુજ ચીર;

લુટાતી માડીરે, ખાલી ત્હારી ઝુંપડી,

ખાલી તોયે મ્હારીરે, માડી ત્હારી ઝુંપડી—દુખિયાંo

ધન રૂંધી ખેતર સૂકવીઆં, દવ પ્રેર્યો ચોપાસ,

રાતી વિભુની આંખડી દેખી, પંખીડાં પામે ત્રાસ;

તેને સોડે સ્હાતીરે, માડી ત્હારી ઝુંપડી,

પોષણીઆં શી પાતીરે, આછી જાડી રાબડી—દુખિયાંo

વન વીંટ્યા સીચાણે સઘળાં, અવશ પડ્યાં તુજ બાળ,

ઠામ ઠર્યોને હડધૂત કરીને, રણ વગડે દે માર;

અંકે લેવા ધાતીરે, તેને માતા રાંકડી,

શીળી છાંયે છાતીરે, માડી ત્હારી ઝુંપડી—દુખિયાં૦

ચણ કણ કાજે વન વન વીંઝે, તુજ બાલુડાં પાંખ,

પણ સુખ દુઃખનાં લ્હાણાં લેવા, ઠરતી તુજપર આંખ;

અંતે તું સંઘરતીરે, માતા મ્હારી દુબળી,

પ્રભુનો પંથ દાખવતીરે, માડી ત્હારી ઝુંપડી-દુખિયાંo

તુંજ જીવન અમ તુંજ સર્વસ્વ, તુંજ સુધાનો સાર,

મૂર્તિમતી વત્સલતા દેવી, તું સુર લેાકનું દ્વાર;

નંદનવન શી વ્હાલીરે, અમને તારી ઝુંપડી,

જન્મભૂમી વ્રત પાળીરે, શણગારીશું ઝુંપડી—દુખિયાંo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2