thibnan pani - Geet | RekhtaGujarati

ઠીબનાં પાણી

thibnan pani

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
ઠીબનાં પાણી
હરિકૃષ્ણ પાઠક

તો ભાઈ ઠીબનાં પાણી!

તરસી પાંખને કો'ક દી ઊંડી આરત લાવે તાણી,

તો ઠીબનાં પાણી.

ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,

થીર ના ક્રોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,

તરસ્યું કોઈ આવશે-ખોબો'ક રેડવા, એટલું જાણી;

તો ઠીબનાં પાણી.

કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,

કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,

થાક ભરેલા પળનો પોરો પામતાં કમાણી;

તો ઠીબનાં પાણી.

કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,

ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,

નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,

તો ઠીબનાં પાણી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 356)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004