aawe jay - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ મારે આંગણે આવે ને જાય,

હસતું હસાવતું રડતું રડાવતું

ઓરું થૈ અળગું લહાય. —કોઈ મારેo

નીલા આકાશ છાયાં શ્યામ રંગ-શોભને

કિરણોના કંચવામાં તેજપૂર્યાં ગોપને

ઝાકળનાં મોતી ઝરે દોરે ગૂંથાય નહિ,

આગિયાની ઝબકે શાં અજવાળાં થાય. —કોઈ મારેo

શું સ્વર્ગગંગાને તીરે કો અપ્સરા,

ઝુલાવે કેશ ભીના સ્નાન કરી નીતર્યા,

ઝરમર ઝિલાયા તો અંજિલ ભરાય નહિ,

ભીના ભીના હોઠ, કંઠે કોરા સુકાય. —કોઈ મારેo

સ્વરની સુગંધભરી છલકે દક્ષિણ હવા,

સ્મરણો ને ઝંખના જાગે રૂપે નવાં,

પાણી ભરી આંખ તો પ્યાસ તો છિપાય નહિ,

પાંપણ ભીંજાય, પ્રાણ તરસ્યા રહી જાય. —કોઈ મારેo

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981