pandaDun pardeshi - Geet | RekhtaGujarati

પાંદડું પરદેશી

pandaDun pardeshi

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
પાંદડું પરદેશી
રામનારાયણ પાઠક 'શેષ'

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!

તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી!

એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે! કે પાંદડું પરદેશી!

મેં તો હાર મહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી!

એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી!

એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી!

તો દરિયેથી પાછું આવ્યું! કે પાંદડું પરદેશી!

મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી!

ત્યાં તો ફ્ણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!

મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી!

એક ફૂંક ભેળુ ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973