raneri - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,

વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

પલમાં જાણે લાગતું ખરે આભની નીલમ છત!

લાગતું જાણે ઝળકી રહ્યું રાનપરીનું સત!

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,

વ્હેતું જાણે ભીતર ઝીણું રાનપરીનું જલ!

વેલથી ઝાઝાં ઝાડ ને તેથી પૂર પડ્યું અંધારું,

આગળ દોડી મનને મારા ઊડતું આઘું વારું.

અવળા રે વંટોળની અહીં સવળી પડે છાયા,

કોઈએ જાણે ફરતી મેલી પાંદડે પાંદડે માયા!

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,

વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

વાદળાં ભેળી વાદળું બની ઊડતી પ્હાડની ટૂંક.

પ્હાડને કીધા ગુમ મારીને પલમાં કોઈએ ફૂંક.

વ્હેતું ભીતર બ્હાર બધે યે રાનવાયુનું જલ.

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ભાવથી છલોછલ.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2