nokhun nokhun ne ekakar - Geet | RekhtaGujarati

નોખું નોખું ને એકાકાર

nokhun nokhun ne ekakar

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
નોખું નોખું ને એકાકાર
વેણીભાઈ પુરોહિત

સપનામાં જાગ્યો તેનો

લાગ્યો ઉજાગરો ને

આંખોમાં ભીનો ભીનો ભાર રે,

જોગીડા! તે

કેવું રે સૂવું તે કેવું જાગવું હોજી!

લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,

સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,

જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર:

રે જોગીડા! તે

કેવું પરાયું કેવું આગવું હોજી!

સામે આવે તે પહેલાં સુખડાં મેં પામી લીધાં,

આડે આવે તે પહેલાં દુખડાં મેં વામી દીધાં;

મારા તે લાગે મુંને ભાર;

રે જોગીડા! તે

કેવું રે ભોગવવુ કેવુ ત્યાગવું હોજી!

શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવકજ્યોતે

ઘૂમીઘૂમીને વીજલ ખાતી પછડાટ પોતે—

લપસીને લથડે લાખો વારઃ

રે જોગીડા! તે

કેવુ રે રુઝાવું કેવું વાગવું હોજી!

પંખી પોતામાં ઊડી પોતામાં ડૂબી રહેતું,

આખું આકાશ એને ચોગમ લપેટી લેતું

ઊંચું ને ઊંડું હારોહાર

નોખું નોખું ને એકાકાર

રે જોગીડા! તે

કેવું તરવું ને કેવું તાગવું હોજી!

સ્રોત

  • પુસ્તક : આચમન (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1975