naynan - Geet | RekhtaGujarati

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં

એમાં આસમાની ભેજ,

એમાં આતમાનાં તેજ;

સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં-

છાની વડવાનલની આગ,

અને પોતે છીછરાં અતાગ

સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા દીવાને જલમાં ઝળહળે,

કોઈ દિન રંગ ને વિલાસ,

કોઈ દિન પ્રભુ તારી પ્યાસઃ

ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004